અનાજ અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી વર્ષે લાખ રૂપિયા થી સવા લાખનો નફો મળ્યો -ખેડૂત નાથુજી ઠાકોર
રાસાયણિક ખાતરના ઉપયોગથી હવે જમીન નથી બગાડવી એટલે નથી બગાડવી આ શબ્દો છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નાથુજી અનારજી ઠાકોરના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના હનુમાનપૂરાના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા નાથુજી અનારજી ઠાકોરે એ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે. તેમના આ સંકલ્પને પગલે ગામમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
નાથુજી અનારજી ઠાકોરે તેમની એક વીઘા જેટલી જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ અનાજ અને કઠોળ પાકોની સાથે ડુંગળી, ગવાર જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોઇ તેમની જમીન પોચી ભરી ભરી – ફળદ્રુપ બની છે. તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને આખી જિંદગી હું પ્રાકૃતિક ખેતી જ કરીશ. મારે હવે જમીન નથી બગાડવી.
પ્રાકૃતિક ખેતી માટે તેમણે બે દેશી ગાયો પાળી છે. જેના છાણ અને ગૌ મૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે. દેશી ગાયના છાણ ને સૂકવીને તેઓ ઘન જીવામૃત બનાવે છે. તેને પંદર દિવસમાં અંતરે ખાંપી લેવામાં આવે છે. ત્રીસ થી પાંત્રીસ દિવસે ઘન જીવામૃત બને છે. ગૌ મૂત્ર અને અન્ય વનસ્પતિઓથી જીવામૃત બનાવવામાં આવે છે. પાકની અવસ્થા મુજબ પંદરથી અઢાર કે એકવીશમા દિવસે જીવામૃત આપવામાં આવે છે. હાલમાં તેમણે ડુંગળી અને ગવારના પાકોની ખેતી કરી છે. છેલ્લા બે વર્ષથી તેમણે શાકભાજીની ખેતી તરફ ધ્યાન આપ્યું છે. વચ્ચેના પાળામાં તેમણે ઘઉં અને ગાયો માટે ઘાસચારો વાવ્યો છે.
નાથુજી અનારજી ઠાકોર જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે. આવક કે ઉત્પાદનમાં કોઈ ફેર પડ્યો નથી. છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. અગાઉ હું ચીલાચાલુ રાસાયણિક ખેતી કરતો હતો જેના કારણે જમીન ખરાબ થવા લાગી હતી. થોડાક સમય પછી આત્માનો સંપર્ક થયો હતો. ત્યાં મને પ્રાકૃતિક ખેતીની સમજ મળી અને મે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જીવામૃત, ઘન જીવામૃત સહિતના તત્વો દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં ઉપયોગ કરું છું.