સરકાર અને પોલીસની ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ; ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકાર પર આકરા પ્રહારો કરી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ડ્રગ્સના કારોબાને રોકવામાં નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ સરકાર પર ડ્રગ્સ માફિયાઓ સાથે મિલીભગતનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021 માં પકડાયેલ 20,000 કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો કે નહીં અને જો કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે કરવામાં આવ્યો? આ પ્રશ્નનો સરકાર પાસે કોઈ જવાબ નહોતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જીઆઇડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે પોલીસ વડાને અરજી કરી હતી અને પોલીસ કર્મચારીઓના 35 જેટલા વીડિયો પુરાવા તરીકે આપ્યા હતા, જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસેથી હપ્તો લેતા દેખાય છે. જો કે, આજ સુધી કોઈ પોલીસ અધિકારી કે દારૂના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી છે કે જો ગુજરાતના યુવાધનને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગૃહ મંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે.