બજેટ બેઠક પૂર્વેની મિટિંગમાં ખુદ વિપક્ષના નેતા રહ્યા ગેરહાજર
કોંગ્રેસના 12 સભ્યો પૈકી 75 ટકા સભ્યો ગેરહાજર: મહિલા સદસ્યો ના પતિઓ રહયા હાજર
રોકનાર કે ટોકનાર વિપક્ષ વેરવિખેર: શાસક પક્ષ ગેલમાં, ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં શાસક પક્ષના મનસ્વી વહીવટ અને ગેરરીતિઓને ઉજાગર કરી પ્રજાનો અવાજ રજૂ કરવામાં વિપક્ષ કોંગ્રેસ નાકામ રહેતા શાસક પક્ષ ભાજપ ગેલમાં આવી ગયો છે. પાલિકાની બજેટ બેઠક પૂર્વે વિપક્ષ કોંગ્રેસની આજરોજ પાલિકા ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખુદ વિપક્ષ ના નેતા જ ગેરહાજર રહ્યા હતા. તો વળી 75% જેટલા સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. જેથી બજેટ બેઠકમાં અસરકારક રણનીતિ બનાવી શાસક પક્ષને ભીંસમાં લેવાનો પ્રયાસ નાકામ રહ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં શાસક પક્ષના 32 સભ્યો સામે વિપક્ષ કોંગ્રેસના 12 સભ્યો છે. જોકે, શાસક પક્ષ મનસ્વી રીતે વહીવટ કરી કૌભાંડોની હારમાળા સર્જતો હોવા છતાં જવાબદાર વિપક્ષ તરીકે તેને એક્સપોઝ કરવામાં અને પ્રજાનો અવાજ બનવામાં કોંગ્રેસ સરેઆમ નાકામ રહી છે. જેનો સીધો લાભ શાસકોને મળી રહેતા તેઓ નિરંકુશ બની પ્રજાના અવાજને રૂંધીને ગેરરીતિઓ આચરી રહ્યા હોવા છતાં તેઓને કોઈ કહેનાર રોકનાર કે ટોકનાર ન હોવાની રાવ ઉઠી છે. જેની પ્રતીતિ કરાવતા પાલનપુર નગરપાલિકાની આગામી 27 માર્ચે મળનારી બજેટ બેઠકની વ્યૂહ રચના માટે આજે વિપક્ષ કોંગ્રેસે પાલિકામાં વિપક્ષના કાર્યાલય ખાતે મિટિંગ બોલાવી હતી. જેમાં ખુદ વિપક્ષના મહિલા નેતા જાગૃતિબેન મહેતા જ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય કોંગ્રેસી નગરસેવકો પણ ગેરહાજર રહ્યા હતા. જેથી મિટિંગ પ્રતિકાત્મક બની રહી હોવાનો બળાપો ખુદ કોંગ્રેસી કાર્યકરોએ ઠાલવ્યો હતો. વિપક્ષ કોંગ્રેસ સબળ વિપક્ષની ભૂમિકા ભજવવામાં પણ સરેઆમ નિષ્ફળ રહ્યો હોઇ આગામી પાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ લોકો સમક્ષ ક્યાં મોઢે વોટ માંગવા જશે તે સવાલ કોંગ્રેસીઓને અકળાવી રહ્યો છે.
શાસક પક્ષ સાથે વિપક્ષનું ફિક્સિંગ? તાજેતરમાં ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ખુદ એકરાર કર્યો હતો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ફિક્સિંગમાં છે. જેની પ્રતીતિ પાલનપુર નગરપાલિકામાં પણ જોવા મળી રહી છે. પ્રથમ ટર્મમાં વિપક્ષના નેતા અંકિતા ઠાકોર વખતે ગર્જના કરતો વિપક્ષ બીજી ટર્મમાં ભેદી મૌન સેવી રહ્યો હોઇ મેચ ફિક્સિંગની આશંકાઓ પ્રબળ બની છે. જોકે, વિપક્ષના નેતાની વરણીમાં કોંગ્રેસ મોવડી મંડળે પણ કાચું કાપ્યું હોઈ ખુદ કોંગ્રેસ મોવડી મંડળના નેતાઓ સામે પણ ફિક્સિંગની શંકાની સોય તકાઈ રહી છે.
માત્ર 25% સભ્યો રહયા હાજર!; બજેટ બેઠક પૂર્વે વિપક્ષ કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં ખુદ વિપક્ષના નેતા જાગૃતિબેન સોલંકી જ ગેરહાજર રહ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિપક્ષના ઉપનેતા સાહિલ ભાઈ, આશાબેન રાવલ અને મહમંદ ભાઈ મન્સુરી જ હાજર રહ્યા હતા. જ્યારે બે મહિલા સભ્યોના પતિ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે 75% સભ્યોની ગેરહાજરી વચ્ચે બેઠકનું સંચાલન પણ વિપક્ષના નેતાના પતિ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યાલય મંત્રીએ કર્યું હતું. ત્યારે કોંગ્રેસ બજેટ બેઠકમાં શું ઉકાળશે તે સમજી શકાય તેવી છે. કોંગ્રેસની ખસ્તા હાલત જોઈ શાસક પક્ષને છૂટો દોર મળ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.