બાળકોને ભેગા કરી નાસ્તો કરાવીને રવાના કરી દેવાય છે; મહેસાણા શહેર આમ તો ખૂબ જ વિકસિત શહેરની છાપ ધરાવતું શહેર છે કે જ્યાં કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં વિકાસ હરણફાળ ભરતો જૂ શકાય છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ મહેસાણા શહેર અને જિલ્લાએ ખૂબ જ વિકાસ કર્યો છે કે જ્યાં સારામાં સારી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે. તેમ છતાં પણ શૈક્ષણિક ક્ષેત્રે હાલની તારીખે પણ મહેસાણા ક્યાંકને ક્યાંક પાછળ રહી ગયું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. મહેસાણાના પ્રદુષણપરામાં આંગણવાડી કેન્દ્રને 25 વર્ષથી મજાક બનાવી દીધું કે જ્યાં ભાડાની જગ્યામાં ચાલતી આંગણવાડીમાં પાછળ રહેણાંક અને આગળ ઓસરીમાં બાળકો બેસાડીને ભણાવવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે ખીલતા ગુલાબ સમાન આ નાના બાળકોનું આવનારા સમયમાં ભવિષ્ય શું અને કેવું હશે??
પ્રદુસણ પરા વિસ્તારમાં આવેલી આ આંગણવાડી શાળા કે જે રહેણાંક મકાનમાં હોવાના કારણે ઘરમાં વસવાટ કરતા લોકોની સતત અવરજવર રહેતી હોય છે અને તેવી સ્થિતિ વચ્ચે ઓસરીમાં 25 વર્ષથી આ આંગણવાડી ચાલી રહી છે. જોકે આ બાબતે વાતચીત કરતા આંગણવાડીના સંચાલિકાએ કહ્યું કે આવી રીતે બાળકોનો વિકાસ ન થઈ શકે અને જો આવી રીતે જ જો બાળકોને શિક્ષણ મળતું રહેશે તો આ બાળકોનું ભવિષ્ય જોખમાઈ જશે, બાળકોનો જો યોગ્ય વિકાસ કરવો હોય તો યોગ્ય જગ્યા અને વ્યવસ્થા આપવી પડે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ આંગણવાડીમાં ભણવા આવતા બાળકોને માત્ર ઓસરીમાં ભેગા કરી નાસ્તો કરાવીને રવાના કરી દેવાય છે જ્યાં ઓસરીમાં પણ મકાન માલિકનો સામાન રાખવામાં આવે છે અને એ સમાન વચ્ચે આ બાળકો પોતાનો અભ્યાસ કરતા જોવા મળે છે.