ફરિયાદીને રૂ.5.50 લાખ બે માસમાં વળતર પેટે ચૂકવવા કર્યો હુકમ; વેપારી મથક ડીસામાં ચેક રીટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા કરી ફરીયાદી ને ₹ 5,50,000/- બે માસની અંદર વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ, શાંતિભાઈ કાળુભાઈ દેસાઈ એન્ડ કંપનીના પ્રોપરાઇટર શાંતિભાઈ કાળુભાઈ દેસાઈ રહે.વળાવડ પો.લોરવાડા તા.-ડીસા જીલ્લો-બનાસકાંઠાવાળાને આરોપી કરસનભાઈ ધનાભાઈ ડોડીયા પાસેથી ₹11,49,741/- બટાકાના વેપાર અંગેના લેવાના નીકળતા હતા. જે બાબતે આરોપીએ ફરિયાદીને ₹5,50,000/- નો ચેક આપેલ.
જે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત (બાઉંસ) થતા ફરિયાદીએ ડીસાની કોર્ટમાં નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ. જે ક્રીમીનલ કેસ નં-૧૮૪૪/૨૦૨૩ ચાલી જતા ડીસા તાલુકાના મે. બીજા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એન સૈયદે ફરિયાદીના વકીલ ભાવેશકુમાર સી. રાવલની દલીલો તથા નામદાર ઉપલી અદાલતોના નિર્ણયોને ધ્યાને લઈ આરોપી કરસનભાઈ ધનાભાઈ ડોડીયા રહે.બીલીમોરાને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે. તેમજ સી.આર.પી.સી. ની કલમ-૩૫૭ (૩) મુજબ ફરિયાદવાળા ચેકની રકમ ₹5,50,000/- બે માસની અંદર વળતર પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. અને જો આરોપી વળતળની રકમ ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.