પુર ઝડપે આવેલી કારે બે વીજ થાંભલા તોડી પાડતાં અફરા તફરી મચી
અકસ્માત ગ્રસ્ત ગાડીમાં થી પોલીસ વર્ધી અને નેઇમ પ્લેટ મળી આવી; પાલનપુર તાલુકાના કાણોદર ગામે વાસણા ત્રણ રસ્તા પર મોડી સાંજે પૂરઝડપે આવતી એક ગાડી બે વીજ થાંભલા સાથે ધડાકાભેર ટકરાતા થાંભલા તૂટી જતા અફરા તફરી મચી જવા પામી હતી જોકે અકસ્માત સર્જનાર ચાલક ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.
પાલનપુર પંથકમા વાહન ચાલકોની ધૂમ સ્ટાઈલે ડ્રાઈવિંગ કરતા હોય રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાય રહ્યા છે. જે વચ્ચે શનિવારે મોડી સાંજે કાણોદર ગામના વાસણા ત્રણ રસ્તા પર બેફામગતિએ આવેલી એક ગાડી એક બાદ એક બે વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા બન્ને થાંભલા તૂટી જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે અકસ્માત સર્જ્યા બાદ ગાડી મૂકીને તેનો ચાલક ફરાર થઇ ગયો હતો આ ગાડીમાં થી પોલીસની વર્ધી અને બકલ નંબર વાળી નેઇમ પ્લેટ મળી આવી હતી. જોકે ગાડીનો ચાલક નશીલી હાલતમાં હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું હતું બનાવના પગલે પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.