સાતમ બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમવા લાગશે; ઉત્તર ગુજરાતનું મોખરાનું કહી શકાય તેવું ડીસાનું અનાજ માર્કેટયાર્ડ આજથી સાત દિવસ માટે બન્ધ રહેશે. અનાજ માર્કેટયાર્ડમાં કામ કરતા મોટાભાગે રાજસ્થાનના હોઈ હોળીના તહેવારોમાં પોતાના વતન રાજસ્થાન જતા હોઈ માર્કટયાર્ડ આગામી સાત દિવસ માટે બંધ રહેતું હોય છે.
રંગોના તહેવાર એવા હોળી ધુળેટીના પર્વનું રાજસ્થાનમાં અનેરું મહત્વ છે અને મારવાડીઓ માટે એક કહેવત પણ પ્રચલિત છે કે “દિવાળી તો અઠે કઠે પણ હોળી તો મારવાડ મેં” સમગ્ર દેશમાં વસતા રાજસ્થાની લોકો માટે દીવાળી કરતા હોળીના તહેવારનું મહત્વ વિશેષ છે તેઓ હોળીના તહેવાર દરમિયાન દેશના કોઈપણ ખૂણે વ્યવસાય કરતા હોવા છતાં પણ હોળીના તહેવાર દરમિયાન પોતાના માદરે વતન રાજસ્થાન ખાતે આવતા હોય છે તેમજ રંગોના તહેવાર હોળી ધુળેટી ને ખુબજ ધામ ધૂમથી ઉજવતા હોય છે.
ત્યારે ડીસામાં પણ વ્યવસાય અર્થે અનેક રાજસ્થાની લોકો વસવાટ કરી રહ્યા છે. તેમાંય ડીસા માર્કેટયાર્ડ ખાતે હમાલીનું કામ કરતા તમામ મજૂરો રાજસ્થાનના હોઈ તેઓ પણ આ હોળીનો તહેવાર મનાવવા રાજસ્થાન જતા રહેતા હોય છે. જેના પગલે માર્કેટયાર્ડ મજૂરોના અભાવે ખાલી થઇ જતા માર્કેટયાર્ડ દ્વારા પણ સાતમ સુધી સાત દિવસ માટે મીની વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના પગલે આગામી 13 થી 21 માર્ચ દરમિયાન સાત દિવસ માટે માર્કટયાર્ડ સંપૂર્ણ બંધ રહેશે અને સાતમ બાદ માર્કેટયાર્ડ ફરીથી ધમધમતું થશે.