જૈન સાધુઓ સહિત રાહદારીઓ ને ચાલવું બન્યું મુશ્કેલ; પાલનપુરના અમદાવાદ હાઇવે પર રોયલ પ્લાઝાથી ગઠામણ ગામને જોડતા રોડની બંન્ને સાઈડ પર ગંદકી ના ઢગ ખડકાયા છે. જેને લઈને રોડ સાંકડો બનતા રાહદારીઓને ચાલવું મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા કચરો દૂર કરાવે તેવી માંગ ઉઠી છે.
પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ ગામમાં જતો રોડ આવેલો છે. રોયલ પ્લાઝાથી ગઠામણ જતા રોડની બંને બાજુ કચરાનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આ સિંગલ રોડની બંને બાજુએ લોકોએ કચરો નાખતા રોડ સિવાયનો માર્ગ ઢંકાઈ ગયો છે. રોડની બંને સાઈડ પર કચરાનો ઢગલો ઉપરાંત તૂટેલા બાંધકામનો મલબો નાખવામાં આવ્યો છે. જેને લઈને આ રોડ પરથી પસાર થતા જૈન સાધુ-સાધ્વીઓ સહિત રાહદારીઓને ચાલવા માટે પગદંડી પણ રહી નથી. પગદંડની જગ્યા કચરાથી ઢંકાઈ ગયો છે. જેથી રાહદારીઓ રોડ પર ચાલવા જાય તો અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોઇ રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગઠામણ જતાં માર્ગની બંને બાજુની પગદંડી પરનો કચરો દૂર કરી સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.