આશરે ૧૫ તોલા સોનું તેમજ ત્રણ કિલો ચાંદીના દાગીના સહિત ૨૫ હજાર રોકડની ચોરી
મકાન માલિક ખેતરે ગયા તસ્કરોએ હાથ ફેરો કર્યો; વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે શનિવાર રાત્રે તસ્કરોએ બે મકાન ને નિશાન બનાવી સોના, ચાંદી તેમજ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પીડિત મકાન માલિકો એ છાપી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળે છે.
વડગામ તાલુકાના ટીંબાચુડી ગામે પટેલ વાસમાં આવેલ બે મકાન ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. મળતી માહિતી મુજબ મકાન માલિક મકાન ને તાળું મારી ખેતરમાં ગયા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો મોકાનો લાભ ઉઠાવી મકાન ના દરવાજા નો નકુચો તોડી મકાન માં પ્રવેશ કરી અંદર પડેલ કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરીના પગલે લોકોના તોળા ઉમટી પડ્યા હતા. આ અંગે મકાન માલિક ભીખાભાઇ રામજીભાઈ રૂપાવટે જણાવ્યું હતું કે મારા ઘરમાંથી આશરે પંદર તોલા સોનાના દાગીના, ત્રણ કિલો ચાંદી તેમજ રોકડ રૂપિયા પચીસ હજાર ચોરો લઈ ગયા છે. જે અંગે છાપી પોલીસ ને જાણ કરતા મોડી સાંજ સુધી પોલીસ તપાસ માં આવી ન હોવાના આક્ષેપ કર્યા હતા. વડગામ તાલુકા માં અવારનવાર વધતા ચોરીના બનાવો ને લઈ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ અંગે છાપી પોલીસે ના સૂત્રો એ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ ઇસમ ફરિયાદ માટે પોલીસ મથકે આવ્યા નથી.