બનાસકાંઠા એસઓજી પોલીસે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે 53.265 કિલોગ્રામ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની કિંમત 5.32 લાખ રૂપિયા છે. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી. કે ડીસાના ડોલીવાસથી બનાસ નદી તરફ જતા હનુમાનજીના મંદિર સામે રાજુભાઈ સૈનીના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા કેસરસિંહ પરબતસિંહ વાઘેલા અને ધારસિંહ પચાણજીએ ગાંજાના છોડ વાવ્યા છે.
જેથી એસઓજી પી.આઈ.એજી.રબારી સહિત પોલીસ ટીમે તપાસ કરતા ખેતરમાં શેઢે અલગ અલગ જગ્યાએ ગાંજાના છોડ વાવેલા હોવાની હકીકત સામે આવી હતી. જેથી પોલીસે દરોડો પાડીને કુલ 718 ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. પોલીસે આરોપી ધારસિંહ પચાણજી પાસેથી 464 છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 36.465 કિલોગ્રામ હતું. જ્યારે આરોપી કેસરસિંહ પાસેથી 254 છોડ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનું વજન 16.800 કિલોગ્રામ હતું.પોલીસે કુલ 53.265 કિલો મળી રૂપિયા 5.32 લાખનો મુદ્દા માલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.