રાજ્યમાં અત્યારે ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે નકલીની ભરમાર ચાલી રહી છે. ઠગબાજો નકલી ટોલનાકા, નકલી કોર્ટ,નકલી સરકારી કચેરીઓ ચલાવીને નકલી સરકારી અધિકારી, નકલી પોલીસ અધિકારી બનીને લોકોના તોડ કરી રહ્યા છે. ત્યારે ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે, જે લોકો પાસેથી એલસીબી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો. આરોપીનું નામ ડાયાભાઈ અજમલભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે.
ડાયાભાઈ ઠાકોર બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને ડીસામાં ફરતો હતો અને પોલીસ હોવાનો રોફ જમાવતો હતો.તેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શોરૂમ આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા. જેમાં ડીસા વાડી રોડ પર રહેતા અર્જુનભાઈ જોશી નામના લોડિંગ રિક્ષા ચાલકની રિક્ષા રોકીને તેમની પાસેથી 3,000 રૂપિયાની માંગણી કરી હતી. અને તું દર મહિને હપ્તા કેમ નથી આપતો તેમ કહી ગાળો પણ બોલ્યો હતો. તેણે અર્જુનભાઈ પાસેથી 1,000 રૂપિયા પડાવ્યા હતા. અને અન્ય એક રિક્ષા ચાલક પાસેથી 2,000 રૂપિયા પડાવ્યા હતા. જોકે રિક્ષા ચાલકોને શંકા જતાં તેમણે ડીસા દક્ષિણ પીઆઈ વી.એમ.ચૌધરીને જાણ કરી હતી, જેથી પોલીસે તેને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો. ડાયાભાઈ ઠાકોરે અગાઉ ગઢ પોલીસ સ્ટેશનની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી.તે જુગાર અને દારૂના કેસોમાં પણ પકડાઈ ચૂક્યો છે. ડીસા દક્ષિણ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ બાબતે ડીસા શહેર દક્ષિણ પીઆઈ વી.એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપીની કાર કબજે લેવાઈ છે તેમજ તેણે પોલીસના નામે અગાઉ કેટલા તોડ કર્યા સહિતની વિગતોની તપાસ ચાલી રહી છે.