ડીસાની બીજી એડી. સેસન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; આજરોજ નામદાર બીજી એડી.સેસન્સ કોર્ટ, ડીસાના નામદાર જજે પોકસો કેસમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે બનાવની વિગત એવી છે કે આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળ (રહે.કુપટ, શીતળા માતાના મંદિર પાસે, તા.ડીસા) સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. તે બાબતની ફરીયાદ ભોગ બનનારના પિતાએ ડીસા રૂરલ પોલીસ મથકે પોકસો એક્ટ મુજબ નોંધાવી હતી.જે ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ યોગ્ય તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરેલ.
જે કેસ સ્પેશ્યલ જજ (પોકસો) એચ.એચ.કનારા સમક્ષ ચાલી જતા, સરકારી વકીલ નિલમબેન એસ.વકીલ (બ્રહમભટ્ટ) ની સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર તથા તાજેતરમા સગીર વયની દિકરીઓને ભગાડી લઈ જવાના તથા બળાત્કારના ગુનાઓ વધતા જતા હોઈ આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા તેમજ મહિલા દિવસ અંર્તગત મહીલાઓનો સતત માન અને મોભો વધે તેમજ મહીલાઓને પુરતો ન્યાય અને અધિકાર મળી રહે, તેમજ મહિલાઓનું શોષણ ના થાય તે માટે ભારપુર્વક દલીલો કરેલ.જે નામદાર જજે ગ્રાહય રાખી આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળને ઈ.પી.કો.કલમ-૩૭૬ તથા પોકસો એકટની કલમ-૪-૬ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સંયુકત રીતે ૨૦ (વીસ) વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦/- નો દંડ,તેમજ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ. અને વીકટીમ કમ્પન્શેશન સ્કીમ ૨૦૧૯ ની જોગવાઈ મુજબ ભોગ બનનારને રૂા.૧૦,૫૦,૦૦૦/- વળતર પેટે ચુકવી આપવાનો હુકમ પણ કરેલ.