ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે રોજીંદી રામાયણ કચેરી અન્યત્ર ખસેડવાની ઉગ્ર લોક માંગ
ઓફિસ પ્રથમ માળે હોવાથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ ઓફીસ પર ચઢવું મુશ્કેલ; ડીસા તાલુકાના વેપારી મથક અને આજુબાજુના અનેક ગામોના સેન્ટર ગણાતા ભીલડી માં પ્રથમ માળે સાંકડી જગ્યામાં કાર્યરત ઉત્તર ગુજરાત વિજ કંપની પેટા વિભાગીય કચેરીમાં સુવિધાના અભાવે ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે રોજીંદા રામાયણના દ્રશ્યો બની ગયા છે. જેથી સુવિધા સભર સાથે કચેરી અન્યત્ર ખસેડવાની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.
ભીલડી પેટા વિભાગની કચેરીમાં આશરે 25 થી 30 હજાર ગ્રાહકો હોવાથી રોજે રોજ ઓફીસમાં ઘસારો રહે છે જેમનાં માટે બેસવા કે કેશબારી પાસે ઉભા રહેવા માટેની જગ્યા ખુબજ સાંકડી છે, પાણીની વ્યવસ્થા નથી,ફીલ્ડમાંથી આવતાં મીટર,સર્વિસ વાયર તેમજ કચેરીનાં અન્ય સાધન સામગ્રી રાખવા માટે જગ્યા નથી,પાર્કિંગની વ્યવસ્થા નથી,સીડીનાં દરવાજામાં જ પાણીના કારણે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. તેથી ગ્રાહકો સાથે કર્મચારીઓ પણ ત્રાહિમામ થઈ ગયા છે. જેને લઈ કચેરી અન્યત્ર સુવિધાવાળી જગ્યાએ ખસેડવાની તાતી જરૂરિયાત વર્તાય છે.
ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી; આ અંગે કેટલાક ગ્રાહકો એ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત વિજ કંપની ની પેટા વિભાગીય કચેરી ભીલડી ખાતે લાઈટ બિલ ભરવા કે અન્ય કોઈ કામકાજ માટે આવતા ગ્રાહકોને સુવિધા નો અભાવ જોવા મળી છે. આગામી સમયમાં ઉનાળાની સિઝન આવી રહી છે ત્યારે આવી સોકડી જગ્યા પર ગ્રાહકોને ઊભું રહેવું પણ મુશ્કેલ બની રહેશે ત્યારે વીજતંત્ર દ્વારા આ બાબતે સત્વરે કચેરીને અન્ય સ્થળ પર ખસેડવા તથા સુવિધાઓ પૂરી પાડવા માંગ છે.