પાટણ તાલુકાના મણુંદ ગામે એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આવ્યો છે. સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે આરોપી અહેમદખાન હનીફખાન મલેક (61)ને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસ ડિસેમ્બર 2020નો છે. પાટણ તાલુકાના બાલીસણા પોલીસ સ્ટેશનના તત્કાલીન મહિલા PSI પી.એસ.ચૌધરી અને પાટણ SOG પોલીસે મણુંદ ગામે દરોડો પાડ્યો હતો. મસ્જિદની બાજુમાં આવેલા મકાનમાંથી રૂ.2.61 લાખની કિંમતનો 26.130 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
કોર્ટે આરોપીને રૂ.25,000નો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા ભોગવવી પડશે. આરોપીએ અત્યાર સુધી કાચા કામના કેદી તરીકે 4 વર્ષ, 2 માસ અને 22 દિવસ જેલમાં વિતાવ્યા છે. કોર્ટે આ સમયગાળો સજામાં મજરે આપવાનો હુકમ કર્યો છે. કેસના બીજા આરોપી સલમાનખાન અહેમદખાન મલેકને શંકાનો લાભ આપીને મુક્ત કરવામાં આવ્યા છે. સરકારી વકીલ રાજેન્દ્ર પી. રાવલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીનું કૃત્ય સમાજ વિરોધી છે. અને આવનારી પેઢી માટે નુકસાનકારક છે. FSL તપાસમાં જપ્ત કરેલો જથ્થો ગાંજો હોવાનું પુરવાર થયું હતું. આરોપી સામે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી) અને 22(સી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.