પાલિકા તંત્ર દ્વારા એજન્સી સામે કડક કાર્યવાહી કરી વિસ્તારના રહીશોને નુકસાની નું વળતર અપાવે તેવી માંગ ઉઠી.
પાટણ શહેરના પટેલના કસારવાડા વિસ્તારમાં વીજ કંપનીના અંડરગ્રાઉન્ડ વાયરિંગના કામે રહીશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.વીજ કંપનીના ડ્રિલિંગ દરમિયાન ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન તૂટી ગઈ હતી. જે લાઈનનું કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ કર્યાના માત્ર 24 કલાકમાં જ રવિવારે સવારે ફરી આ વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જતા લોકો ની હાલાકી વધી છે. છેલ્લા 12 દિવસથી વિસ્તારના રહીશો આ કામગીરી ના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. છતા વીજ કંપની દ્વારા આડેધડ કરાતી કામગીરીને કારણે ભૂગર્ભ ગટરની લાઈનો તૂટી રહી છે જેના કારણે વિસ્તારના 5 ઘરો અને દુકાનોને તિરાડો પડવાથી મોટું નુકસાન થયું છે.
રહીશોના જણાવ્યા મુજબ, એજન્સી દ્વારા રિપેરિંગ માટે ખોદેલા ખાડામાં પાવડાથી પુરાણ કરવાને બદલે ટ્રેક્ટરથી મોટા પથ્થરો નાખવામાં આવે છે. આ પથ્થરોના ભારથી પાણીની પાઈપલાઈન વારંવાર તૂટી રહી છે. યોગ્ય રીતે કામ ન થવાના કારણે રહીશોને પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની ફરજ પડે છે.ત્યારે પાલિકા તંત્ર દ્વારા બેજવાબદાર કામગીરી કરનાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો ને નુકસાન થયું છે તેઓને નુકશાની નું વળતર ચુકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.