ખાનગી જમીનમાંથી 60 લાખનાં જેસીબી-ડમ્પર જપ્ત; મહેસાણા જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. વિજાપુર તાલુકાના દેવડા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ખાણ ખનિજ અધિકારીને બાતમી મળી હતી કે દેવડા ગામની ખાનગી જમીનમાં રોયલ્ટી પરમીટ વગર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.
ટીમે સ્થળ પરથી રૂ. 40 લાખની કિંમતનું જેસીબી મશીન અને રૂ. 20 લાખની કિંમતનું એક ડમ્પર જપ્ત કર્યું છે. કુલ રૂ. 60 લાખની માલમત્તા કબજે લેવામાં આવી છે. વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિજાપુર પંથક ખનિજ ચોરી માટે કુખ્યાત છે. ભાણપુર ચેકપોસ્ટ પરથી વારંવાર ગેરકાયદે ખનિજ વહન કરતાં વાહનો પકડાય છે. આજની કાર્યવાહીમાં ખાનગી જમીનમાંથી માટી ખોદકામ કરતાં જેસીબી અને ખનિજ ભરવા આવેલા ડમ્પરને ભૂસ્તર ટીમે ઝડપી લીધાં છે.