શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર ખાતે ભગવાન શિવજીના પ્રાગટ્યદિન “મહા શિવરાત્રી” પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ભોલેનાથને રીઝવવા માટે શહેરભરના શિવાલયો “હરહર ભોલે”ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાલનપુર શહેરના અતિ પૌરાણિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આજે ભગવાન ભોલેનાથની પૂજા -અર્ચના કરવા માટે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેત્રીસ કોટી દેવતાઓના પણ દેવાધિદેવ મહાદેવના પર્વ શિવરાત્રીએ ભગવાન ભોલેનાથને ભજતા શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહના જન્મ સ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ હોઈ અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યું હોવાનું મંદિરના પૂજારી જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. જોકે, શિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શિવભક્તો નો અવિરત પ્રવાહ ભગવાન ભોલેનાથને રીઝવવા આવી રહ્યો છે. ત્યારે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હોવાનું
દર્શનાર્થી ગજાનંદભાઈ જોશીએ જણાવ્યું હતું; પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ ના જન્મસ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં શિવભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. શિવભક્તોએ આજે સદાશિવ ભોલે ભંડારીની કૃપા મેળવવા માટે સ્તુતિ-અભિષેક, હોમ-હવન કરી વિશેષ શિવ- આરાધના કરી હતી. આજે મહાશિવરાત્રીના પાવન પર્વે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર “ૐ નમઃ શિવાય” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.