જસરાનો સીમાડો અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યો અશ્વ સંસ્કૃતિની જાળવણી સાથે લોકો અશ્વોની પ્રજાતિથી માહિતગાર થાય તે હેતુથી ભવ્ય આયોજન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રિ નિમિતે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે પણ સાત દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ગુજરાત સહિત વિવિધ પ્રદેશોના જાતવાન અશ્વોનો મેળો ભરાય છે. જેને મહા શિવરાત્રીના લોક મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. મેળાના આજે પાંચમા દિવસે મોટી સંખ્યામાં અશ્વ- ઊંટોએ વિવિધ હરીફાઈઓ અને દિલધડક કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તો બીજી તરફ રાજસ્થાની- પંજાબી પોશાક સાથે ઊંટ સવારોએ પણ આકર્ષણ જમાવ્યું હતું.
જસરા અશ્વ મેળામાં રેવાળ પાટી દોડ, નાચ અને વિવિધ હરિફાઇઓમાં એકથી ત્રણ નંબર સુધી અશ્વોને આપવામાં આવ્યા હતા.બુઢેશ્વર મહાદેવ મેળા સમિતીના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતુંકે “રાજ્યના સૌથી મોટા મેગા અશ્વ મેળાનું આ ૧૪ મી વખત આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ પ્રજાતિના અશ્વો બોલાવી લોકોમાં અશ્વોની પ્રજાતિ વિશે માહિતગાર થાય અને અશ્વ પાલકોની ખુશી જળવાઈ રહે એવા અમારા પ્રયત્નો છે.આ વખતે આપણી કાંકરેજી ગાયને રાષ્ટ્ર કક્ષાએ ઓળખ મળે તે માટે શ્રેષ્ઠ કાંકરેજી ગાય, વાછરડા અને નંદી વચ્ચે પણ હરીફાઈ રાખવામાં આવી છે.
આનંદ મેળાનું આકર્ષણ; અશ્વ મેળાની સાથે આનંદ મેળામાં ખાણી પીણીના સ્ટોલ સાથે વિવિધ રાઈડસ જેવી કે ચકડોળ- મોતનો કુવો- ટોરા ટોરા- બ્રેક ડાન્સ- રેલ ગાડી- હોડી- જંપીગ- પાણીની બોટ- જાદુગર-શો સહિત તમામ મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે. જેનું મેળો મહાલવા આવતા દરેક લોકોને આકર્ષણ રહે છે. ખાસ કરીને યુવાનો અને બાળકો રાઈડ્સની સવારીનો નિજાનંદ માણે છે.
ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર રાખવાના પ્રયાસ: મહેશભાઈ દવે; બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં અશ્વ કળા ભુલાઈ રહી છે જે અશ્વ કળાને જીવંત રાખવા તેમજ અશ્વ શક્તિને ઉજાગર કરવા માટે છેલ્લાં ૧૪ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે દર વર્ષે શિવરાત્રિ પર્વ ઉપર અશ્વ મેળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અશ્વ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પશુપાલકો પોતાના અશ્વો લઇ આ મેળામાં આવ્યા છે અને અહીં યોજાતી અશ્વોની વિવિધ હરીફાઇમાં ભાગ લઇ અશ્વો જોડે દિલધડક કરતબ કરાવી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે.