કર્મચારીઓ માટે ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક દિવસીય તાલીમનું કરાયું આયોજન
યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શેને પધારતા હોય છે. વિવિધ ઉત્સવો, જાહેર રજાઓ તથા શનિ- રવિના દિવસોએ ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે. અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને સુદ્દઢ બનાવવા ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઉપક્રમે કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાયું હતું.
આ તાલીમમાં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોફેસર ડો. સંદીપ પાંડે દ્વારા ઉપસ્થિતોને વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. નિલેશ દુબે દ્વારા અન્ય યાત્રાધામોની વિગતો રજૂ કરી પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું તથા અગાઉ બનેલ ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી અને મૂલ્યાંકન રજૂ કરાયું હતું. આ તકે માસ્ટર ટ્રેનર જયેશ વાગડા દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ વિવિધ પદ્ધતિઓ મારફત આપવામાં આવી હતી. ક્રાઉડ મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ દ્વારા મંદિરના સ્ટેક હોલ્ડરોને જાગૃત કરાયા હતા. GIDM દ્વારા આ તાલીમ થકી પધ્ધતિસર ક્રાઉડ મેનેજમેન્ટ કરવા વિવિધ પાસાઓને રજૂ કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા વિશેષ અનુરોધ કરાયો હતો.