જીવન સંગીની સાથે પ્રાકૃતિક ખેતી કરીને 20 હજાર ખર્ચ કરીને અઢી લાખની કમાણી કરીપાલનપુર તાલુકાના આકેસણ ગામે રહેતાં દિવ્યાંગ નીતાબેને જીવન સંગીનીનો ધર્મ નિભાવી પોતાના પતિને રાસાયણિક ખેતી નહિ પરંતુ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કર્યા,એટલું જ નહિ, ખેતીના આ વ્યવસાયમાં પોતાના પતિ મેઘરાજભાઈ બેરાને હૂંફ આપી ખભેખભો મિલાવી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં મદદરૂપ બની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના આકેસણ ગામના એક 40 વર્ષીય ખેડૂત પણ પોતાના 7 વીઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. આ ખેડૂતે 7 વીઘા ખેતરમાં મોડલ ફાર્મ બનાવ્યું છે. જેમાં 6 વર્ષથી અલગ અલગ શાકભાજી અને બાગાયતી પાકમાંથી સારી એવી આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ સાબિત બન્યા છે. એક સીઝનમાં બે હજાર રૂપિયા ખર્ચીને અઢી લાખ રૂપિયાની આવક મેળવી આદર્શ ખેડૂત બન્યાં છે.
ધોરણ 12 સુધી અભ્યાસ કરેલા મેઘરાજભાઈ બેરાતેમણે 6 વર્ષ પહેલા રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સાહસિક નિર્ણય લીધો હતો. નિર્ણય પાછળ સાથ મળ્યો તેમના દિવ્યાંગ પત્ની નીતાબેનનો. ત્રણ દેશી ગાયોથી પશુપાલન કર્યું અને તેમના પતિ મેઘરાજભાઈ બેરાએ રાસાયણિક ખેતીમાં વધતો જતો ખર્ચ અને આવક ઘટતાં દાંતીવાડા યુનિવર્સિટીમાંથી પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યા બાદ તેમણે આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
મોડેલ ફાર્મમાં હાલમાં વિવિધ પ્રકારના શાકભાજી અને બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. જેમા બટાકા, વરિયાળી,ઘઉં,ટામેટા,કોબીજ,પાલક, મેથી, મૂળા, મરચાં, ડુંગળી અને લસણ જેવા પાકો દ્વારા તેઓ આગામી સમયમાં બે લાખથી વધુની આવક મેળવવાની આશા રાખે છે. આ તમામ પાકોમાં તેમણે માત્ર 20,000 રૂપિયાનો ખર્ચ કરીને 250000 લાખની આવક મેળવી છે. મેઘરાજભાઈ બેરાના મતે પ્રાકૃતિક ખેતીના ત્રણ મુખ્ય ફાયદા છે. જેમા જમીનની ફળદ્રુપતામાં વધારો, પર્યાવરણનું સંરક્ષણ અને લોકોના આરોગ્યમાં સુધારો થાય છે. તેઓ દેશી ગાય આધારિત ઘન જીવામૃત અને જીવામૃત દ્વારા ખેતી કરે છે, જે પ્રાકૃતિક ખેતીનો મહત્વનો ભાગ છે.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો હજુ પણ રાસાયણિક ખેતી કરે છે, જેના કારણે ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા સમયે મેઘરાજભાઈ બેરા અને તેમના દિવ્યાંગ પત્નીની સફળતાની કહાની અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બની રહી છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.