બનાસકાંઠા જિલ્લા પોલીસે લાખણી તાલુકાના મડાલ ગામમાં પોલીસે બે અલગ-અલગ ખેતરોમાં કાર્યવાહી કરીને 11 કિલોથી વધુ અફીણના ડુંડા જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં બે ખેડુતો ફરાર થઇ જતાં ગુનો દાખલ કરવાની કામગીરી કરી હતી. બનાસકાંઠા જીલ્લાની એસઓજી પોલીસને બાબુભાઈ હરજીજી ઠાકોર નામના ખેડુતે રાયડાના પાકની આડમાં અફીણના ડુંડાની ખેતી કરી હોવાની ખાનગી બાતમી મળી હતી. તેમના ખેતરમાંથી 1.742 કિલોગ્રામ અફીણના ડુંડા મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત રૂ.17,420 થવા પામી હતી.
બીજા ખેડુત નથાજી હરજીજી ઠાકોરે એરંડાના પાકની વચ્ચે અફીણના ડુંડા છુપાવ્યા હતા. તેમના ખેતરમાંથી 9.312 કિલોગ્રામ અફીણના ડુંડા મળી આવ્યા છે. આ જથ્થાની કિંમત રૂ. 93,120 થવા પામી હતી. પોલીસે કુલ 11.54 કિલોગ્રામ અફીણના ડુંડા જપ્ત કર્યા છે. આ સમગ્ર જથ્થાની બજાર કિંમત રૂ. 1,10,540 થવા જાય છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓએ કાયદેસરના પાકની આડમાં ગેરકાયદે અફીણની ખેતી કરી હતી.આ બનાવને પગલે અસામાજીકતત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.