વધુ કોમ્પ્યુટર અને કર્મચારીઓની વ્યવસ્થા કરવાની માંગ; ડીસા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના ઘરના કામકાજ છોડીને દાખલાઓમાં નામ સુધારા કરાવવા માટે કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા છે.
ડીસા નગરપાલિકાની જન્મ-મરણ શાખાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં બે કોમ્પ્યુટરથી દાખલા કાઢવામાં આવે છે અને ઉપરથી વધુ લોગીન આઈડી મળતા નથી. જેના કારણે દાખલા કાઢવાની કામગીરી ધીમી પડી રહી છે. હાલમાં દરરોજ મોડી સાંજે 7:00 વાગ્યા સુધી કામ કરવામાં આવતું હોવા છતાં 200 થી 250 જેટલા દાખલા સુધારીને કાઢવામાં આવે છે, પરંતુ અરજદારોની સંખ્યા વધુ હોવાથી લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે.
અગાઉ જન્મના દાખલામાં બાળકનું એકલું નામ અને માતાનું નામ આવતું હતું, પરંતુ સરકારના નવા પરિપત્ર મુજબ સુધારો કરવાનો હોવાથી બાળકની પાછળ તેના પિતાનું નામ અને માતાની પાછળ તેમના પતિનું નામ લખવાનું હોવાથી લોકો દાખલા સુધારવા માટે ધસારો કરી રહ્યા છે. નવી પદ્ધતિ મુજબ બારકોડ વાળા દાખલા કાઢવાના હોવાથી તેમાં ખૂબ જ સમય જાય છે, જેના કારણે દાખલા ઝડપથી બની શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે ડીસા નગરપાલિકાએ વધુ કોમ્પ્યુટર અને કર્મચારીઓની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી લોકોને ઝડપથી દાખલા મળી શકે અને તેઓને લાંબો સમય રાહ જોવી ન પડે.