જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
વિધાર્થીઓ માટે બનાસ પથદર્શક, હેલ્પ લાઈન નંબર, કાઉન્સિલિંગ, ડિજિટલ રોડ મેપ, ક્યુઆર કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ
પરીક્ષા કેન્દ્રો પર CCTV, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે; આગામી તા.27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, જિલ્લા, તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન થાય, વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાઓનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. દરેક કેન્દ્રને સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરાયા છે. શિક્ષણ વિભાગની SOP મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન કરાશે. પોલીસ જવાનો સાથે ઝોનલ થી પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પ્રશ્નપત્ર પહોંચશે જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે. એસ.ટી વિભાગના રૂટ સહિત વીજળી અને આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે.
બનાસકાંઠા જિલ્લાના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે. જેમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક, હેલ્પ લાઈન નંબર, કાઉન્સિલિંગ, ડિજિટલ રોડ મેપ, ક્યુઆર કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે. વિધાર્થીઓ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાશે. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષભાઇ પટેલએ ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એકશન પ્લાન-2025 રજૂ કર્યો હતો.
નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ધો.10ના 49,805, ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 24,093 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 5330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10 માટે 184 બિલ્ડીંગ,1789 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 82 બિલ્ડીંગ, 809 બ્લોક અને ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 25 બિલ્ડીંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. જિલ્લામાં ધોરણ 10- 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે કુલ 09 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારીઓ, 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવશે. તમામ અધિકારીઓ, કર્મચારીઓને SOP મુજબ તાલીમ અપાઈ છે. બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.