સરકારી કચેરીમાં આવેલા અરજદારોને પણ દંડાવવાનો વારો આવ્યો; રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે આજે જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત સરકારી કચેરી ઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજી હતી. જેમાં હેલ્મેટ વિના કચેરીમાં આવેલા સરકારી બાબુઓ સાથે અરજદારો પણ દંડાયા હતા. જેમાં પાલનપુર અને ડીસામાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 212 કેસ માં 1,03,500 રૂ.નો દંડ વસુલ કરાયો હતો.
સરકારી કર્મીઓ જવાબદાર નાગરિકો છે. જેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરી અન્ય નાગરિકો માટે રોલ મોડલ બને તે માટે આજે પાલનપુર ખાતે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન તળે ટ્રાફિક પી.એસ.આઈ. ડો.પી.એસ. ચૌધરીની ઉપસ્થિતિમાં જોરાવર પેલેસ ખાતે પોલીસ દ્વારા ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં હેલ્મેટ વિના ફરજ બજાવવા આવેલા સરકારી કર્મચારીઓ દંડાયા હતા. જોકે, આજે સરકારી કચેરીઓમાં કામ અર્થે આવેલા અરજદારોને પણ દંડાવાનો વારો આવ્યો હતો. આમ, સરકારી બાબુઓ સામે ટ્રાફિક પોલીસની તવાઈનો ભોગ અરજદારો પણ બન્યા હતા.
212 કેસમાં રૂ.1.03 લાખનો દંડ વસુલાયો; રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશને પગલે આજે સરકારી કર્મીઓને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવતા ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર ખાતે ડ્રાઇવ યોજી હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજે 74 કેસ કરીને રૂ.37,000નો દંડ વસુલ કરાયો હતો. જ્યારે પાલનપુર શહેર પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા 85 કેસ કરીને રૂ.42,500 નો દંડ વસુલ કરાયો હતો. તો વળી પાલનપુર શહેર પૂર્વ ટ્રાફિક શાખા દ્વારા 36 કેસમાં રૂ.18,000 નો દંડ વસુલ કરાયો હતો. જ્યારે ડીસા શહેર ટ્રાફિક શાખા દ્વારા 17 કેસમાં રૂ.6000 નો દંડ વસુલ કરાયો હતો. આમ, સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવમાં 212 કેસ કરી ટ્રાફિક પોલીસે રૂ.1,03,500 નો દંડ વસુલ કર્યો હતો. આ ઉપરાંત આરટીઓ એન.સી.કેસ પણ કરાયા હતા.
અરજદારો પણ દંડાયા; રાજ્ય પોલીસ વડાએ જારી કરેલા પરિપત્રમાં સરકારી કર્મીઓ જવાબદાર નાગરિક હોઈ તેઓ અન્ય નાગરિકો માટે રોલ મોડલ બને તે માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવા ની તાકીદ કરાઈ હતી. જોકે, સરકારી કર્મીઓને કાયદાનો પાઠ ભણાવવા જતા પોલીસના હાથે સરકારી કચેરીઓમાં સરકારી કામ અર્થે આવેલા અરજદારો પણ દંડાયા હતા. આ ડ્રાઇવ સરકારી કર્મીઓ માટે હતી, અરજદારો માટે નહીં તેવો ચણભણાટ પણ લોકોમાં જોવા મળ્યો હતો.