એક કહેવત છે ને કે જર જમીન અને જોરુ એ ત્રણે કજીયાના છોરૂ; કંઈક આવો જ બનાવ વાવ તાલુકાના ગોલગામમાં બન્યો છે.જ્યાં જમીન અને મકાન પડાવી લેવા માટે બે ભત્રીજાએ પોતાની સગી ફોઈ ઉપર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાવ પોલિસ મથકે દાખલ કરવામાં આવી છે.
વાવ પોલીસ મથકે ગોમતીબેન રાજાભાઈ લુહારે નોંધાવેલી ફરિયાદ મુજબ જમીન અને ઘર પડાવી લેવાના ઈરાદે સગા ભાઈ અને ભાઈના બે દીકરાએ ફોઈ ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ મુજબ રાત્રે ઘરે ગોમતીબેન સુતા હતા ત્યારે અચાનક તેમના ભાઈના બે દીકરા કિરણ લુહાર અને વિક્રમ લુહાર ત્યાં આવ્યા હતા અને મકાન અને જમીન પોતાના પિતાના નામે કરી દેવા માટે કહ્યું હતું. ત્યારે ગોમતી બેને કહ્યું કે આ મકાન મારા પિતાએ જીવન ગુજારવા માટે મને આપ્યું છે. મારા મર્યા બાદ બંને ભાઈઓ સરખાભાગે વહેંચણી કરીને લઈ લેજો તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પાઈપો વડે પગ ઉપર આડેધડ માર મારવા લાગ્યા હતા અને ભાઈ જયરામભાઈ રાજાભાઈ લુહારે ગરદા પાટુનો માર માર્યો હતો.
મકાન અને જમીન પડાવી લેવાના ઈરાદે કરાયેલા હુમલામાં ગોમતીબેનને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હાલ તો વાવ પોલીસે ભાઈ અને બે ભત્રીજા સામે ગુનો દાખલ કર્યો છે જોકે આ હુમલામાં ફોઈ ગોમતીબેનના પગમા ફેક્ચર થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે વડીલોની જમીનોમાં વહેંચણી સમયે અને જમીનોમાંથી નામ કઢાવવા માટે અનેક વાર ભાઈઓ ભાઈઓ અને કુટુંબો વચ્ચે ઝઘડાઓ થતા હોય છે ત્યારે વાવ તાલુકાના ગોલગામમાં પણ જમીન અને મકાન પડાવી લેવાના ઈરાદે હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.