પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આજે સવારે 11 વાગ્યે પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. આ વર્ષે આ કાર્યક્રમમાં પાંચ કરોડથી વધુ સહભાગીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. પહેલી વાર, “પરીક્ષા પે ચર્ચા” એક નવા ફોર્મેટમાં થશે. ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણ, છ વખતની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન એમસી મેરી કોમ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જેવી હસ્તીઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપશે.
પ્રધાનમંત્રી મોદી પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ અંગે માહિતી આપશે. આ વર્ષે, સરકારી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલયો, સૈનિક શાળાઓ, એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયો સહિત વિવિધ સંસ્થાઓના 36 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે સીધા વાર્તાલાપ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. “પરીક્ષા પે ચર્ચા” ના આઠ ખાસ એપિસોડ રજૂ કરવામાં આવશે જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કરશે.