પાલનપુર અને થરાદમાં થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે માટે ખેડૂતોનો વિરોધ

પાલનપુર અને થરાદમાં થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે માટે ખેડૂતોનો વિરોધ

જમીન સંપાદન માટે નવી જંત્રીના ભાવ મુજબ વળતરની માંગ, આંદોલનની ચીમકી: થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના મુદ્દે શુક્રવારે ખેડૂતોએ પાલનપુરમાં કલેકટરને અને થરાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની સંપાદિત થનારી જમીનનું વળતર 2022 ની જૂની જંત્રીના બદલે 2025માં અમલમાં આવનાર નવી જંત્રીના ભાવ મુજબ ચૂકવવામાં આવે.

થરાદથી 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી આ જમીનો ખેતી અને બિનખેતીની છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઘણા ઊંચા છે, જેને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરશે.ખેડૂતોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ જમીનનો કબજો નહીં સોંપે. તેમણે વિવિધ કોર્ટ જજમેન્ટનો હવાલો આપતા જણાવ્યું કે, આ મામલે અગાઉ પણ કોર્ટે અલગ-અલગ ચુકાદાઓ આપ્યા છે. પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *