અમેરિકાના પશ્ચિમ અલાસ્કાના નોમ શહેરમાં જતી વખતે ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. વિમાન દરિયાઈ બરફ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા. માહિતી આપતાં, યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા માઇક સાલેર્નોએ જણાવ્યું હતું કે બચાવ ટીમને કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાંથી વિમાનનો કાટમાળ દેખાયા બાદ, બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. બચાવકર્તાઓને જાણવા મળ્યું કે વિમાનમાં સવાર બધા જ લોકો મૃત્યુ પામ્યા હતા.
વિમાનનો કાટમાળ મળ્યો
અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અનુસાર, બેરિંગ એર સિંગલ-એન્જિન ટર્બોપ્રોપ પ્લેન ઉનાલકલીટથી નવ મુસાફરો અને એક પાઇલટ સાથે ઉડાન ભરી હતી. અલાસ્કાના પશ્ચિમી મુખ્ય શહેર નોમ નજીક વિમાનનો સંપર્ક તૂટી ગયો. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે તે નોમથી 30 માઇલ (48 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં ગુમ થયું હતું. આ પછી, બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને થોડા કલાકો પછી તેમને વિમાનનો કાટમાળ મળ્યો હતો.