પાલનપુર શહેરની દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલની માંગ સાથે ટ્રાફિક નિવારણ સમિતિ આવતી કાલે ધરણા યોજી આંદોલનનો પ્રારંભ કરશે. ટ્રાફિક સમસ્યા નિવારણ સમિતિ દ્વારા 7 મી ફેબ્રુઆરીએ મુલ્કી ભવન પાસે પ્રતીક ધરણા કરી કલેકટરને આવેદન પત્ર આપી ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવામાં આવશે. આ અંગે સમિતિના પ્રણેતા જશવંતસિંહ વાઘેલા અને કૌશલ એમ જોશી એ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમારા દ્વારા 2021 માં કરાયેલા જન આંદોલન થકી 2021માં બાયપાસ અને ઓવરબ્રિજ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં બાયપાસનું ફંડિંગ પણ થઈ ગયેલ છે.
પરંતુ તેનું કામકાજ ગોકળગતીઓ ચાલી રહ્યું છે. તેથી આ બાયપાસ બનવામાં બાધા બનતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવાની માંગ સાથે ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર મોકલવામાં આવે. તેમજ શહેરમાં લોકલ પ્રશાસન દ્વારા પ્રાથમિક લેવલે. ટ્રાફિક સમસ્યા ત્વરિત હલ થાય તે યોગ્ય માંગણીઓ સાથે યોગ્ય અધિકારીની પરમિશન સાથે સમિતિ દ્વારા એક દિવસનો ધરણા કાર્યક્રમ રાખેલ છે. ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા મિસ કોલ અભિયાન લોન્ચ કરવામાં આવ્યુ હતું. જે મિસકોલ અભિયાનમાં 20,000 જેટલા મિસકોલ આવ્યા હોવાના દાવા સાથે આ મિસકોલના લિસ્ટ સાથે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મોકલવામાં આવશે.