જિલ્લા પોલીસ વડાના હસ્તે પરિવારને ચેક એનાયત કરાયો; બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનનું એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેથી એક્સિસ બેન્ક દ્વારા તેમનો ક્લેઇમ પાસ કરી જિલ્લા પોલીસ વડાના હસ્તે રૂપિયા 1.16 કરોડની સહાય પરિવારને આપવામાં આવી હતી. જેથી પરિવારે પણ બેંક અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તરીકે ફરજ બજાવતા હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનોના સેલરી બેંક એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હોવાથી એક્સિસ બેન્ક દ્વારા અકસ્માત ક્લેઇમ લેવામાં આવે છે.જેથી કોઈપણ કર્મચારીનો અકસ્માત થાય તો તેમને બેંક દ્વારા ક્લેઇમની રકમ ચૂકવવામાં આવે છે તે જ રીતે વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું એક વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું જેથી જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભો તો જિલ્લા પોલીસ વડા મારફત ઝડપથી આપી દેવામાં આવ્યા હતા પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલા ક્લેઇમનો ચેક રૂ. 1.16 કરોડનો પાસ થતા મંગળવારે બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસ જવાનના પરિવારને રૂપિયા 1 કરોડ 16 લાખ નો ચેક આપવામાં આવતા પરિવાર દ્વારા બેંક અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.