લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા 140 બોટલ રક્ત એકત્ર કરાયું: પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે કડવા પાટીદાર સમાજના લોકો પોતાના ધંધા રોજગાર સ્વંયભૂ બંધ રાખી પોતાના કુળદેવી માં ઉમિયાના જન્મ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. આજના દિવસે લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. જેમાં સમાજ ના યુવાનો ઉત્સાહભેર રક્તદાન કરતા હોય છે. ત્યારે આજે સમાજના યુવકો દ્વારા 140 બોટલો એકત્ર કરવામાં આવી હોવાનું લક્ષ્મીપુરા યુવક મંડળના પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું.
સમાજના જરૂરિયાત મંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં રક્તદાતા ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ, મંત્રી દિનેશ પટેલ, પાલનપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિત મંડળના કારોબારી સદસ્યો તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.