રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ ‘ઈગલ’ ટીમ બનાવી છે. તેનું પૂરું નામ ‘એમ્પાવર્ડ એક્શન ગ્રુપ ઓફ લીડર્સ એન્ડ એક્સપર્ટ્સ’ છે. આ ટીમમાં આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમની માહિતી કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે. રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘માનનીય કોંગ્રેસ પ્રમુખે ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના આચરણ પર નજર રાખવા માટે તાત્કાલિક અસરથી લીડર્સ અને એક્સપર્ટ્સના એમ્પાવર્ડ વર્કિંગ ગ્રૂપની રચના કરી છે, જેમાં નીચેના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમ ફરિયાદો પર નજર રાખશે; આ સાથે રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, ‘આ કમિટી સૌથી પહેલા મહારાષ્ટ્રની મતદાર યાદીમાં છેડછાડનો મુદ્દો ઉઠાવશે અને બને તેટલી વહેલી તકે નેતૃત્વને વિગતવાર રિપોર્ટ સોંપશે. ‘EAGLE’ અન્ય રાજ્યોમાં ભૂતકાળની ચૂંટણીઓનું પણ વિશ્લેષણ કરશે અને આગામી ચૂંટણીઓ અને દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સંચાલનને લગતા અન્ય તમામ મુદ્દાઓ પર સક્રિયપણે દેખરેખ રાખશે.
દેશના અલગ-અલગ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી રહી છે. જેમાં ઈવીએમ હેકિંગથી લઈને મતદાર યાદીમાં ગેરરીતિ સુધીના આરોપોનો સમાવેશ થાય છે. જો કે ચૂંટણી પંચ દ્વારા આ આરોપોને સતત નકારી કાઢવામાં આવી રહ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીની ‘ઈગલ’ ટીમ ગત ચૂંટણીઓથી લઈને આગામી ચૂંટણી સુધીની ફરિયાદોની તપાસ કરશે.