પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણની અલગ-અલગ ઘટનાઓમાં 23 આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 સુરક્ષાકર્મીઓના પણ મોત થયા છે. હાલના દિવસોમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મોતનો ખેલ ચાલી રહ્યો છે અને બંને તરફથી ડઝનેક લોકોના જીવ ગયા છે. આ અંગે માહિતી આપતાં પાકિસ્તાન સેનાએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં અશાંત બલૂચિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
શનિવારે હરનાઈ જિલ્લામાં આવી જ કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટનામાં સુરક્ષા દળોએ ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. શુક્રવારે રાત્રે, સુરક્ષા દળોએ બલૂચિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા રસ્તા પર બેરિકેડ લગાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને 12 આતંકવાદીઓને ઠાર કર્યા. સેનાએ કહ્યું કે, ‘છેલ્લા 24 કલાકમાં બલૂચિસ્તાનમાં વિવિધ ઓપરેશનમાં કુલ 23 આતંકવાદીઓ માર્યા ગયા છે.’ સેનાએ કહ્યું કે સુરક્ષા દળો માત્ર બલૂચિસ્તાનમાંથી જ નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાનમાંથી આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.