મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો: અમીરગઢ તાલુકાના કિડોતર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃતદેહ ગુરુવારે કૂવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જો કે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના પગલે અમીરગઢ તેમજ એલસીબી તેમજ એ.એસ.પી સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પરિવારને મૃતદેહ સ્વીકારવા સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ કિડોતર ગામે રહેતા એક રબારી પરિવારની કિશોરી છેલ્લા એક અઠવાડિયા થી ગુમ થઈ હતી જેથી આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારને જણાવ્યું હતું કે તમે પણ શોધખોળ કરો અને અમે પણ શોધખોળ કરીએ જેથી પરિવાર સગીરાની શોધખોળ કરતો હતો તે સમય દરમિયાન ગુરુવારે કીડોતર ગામે આવેલા કુવા માંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો જો કે પીએમ થઈ ગયા બાદ પણ પરિવારજનો એ મૃતદેહ ન સ્વીકારતા ઘટનાને પગલે દોડી આવેલા મહિલા અધિકારી એ.એસ.પી તેમજ એલસીબી પીઆઇ,અમીરગઢ પીઆઇ સહિતના અધિકારીઓએ પરિવારને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી મૃતદેહ સ્વીકારવા અંગે સમજાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.