Us પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું. દાવોસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે, આપણો દેશ ટૂંક સમયમાં પહેલા કરતા વધુ મજબૂત, એકજૂટ અને વધુ સમૃદ્ધ બનશે. તેમણે કહ્યું કે હું સાઉદી અરેબિયા, ઓપેકને તેલના ભાવ ઘટાડવા માટે કહીશ, જો તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે.
ટ્રમ્પે વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું, ‘મેં ગ્રીન ન્યૂ ડીલનો અંત કર્યો. હું તેને ગ્રીન ન્યુ સ્કેમ કહું છું, મેં પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી એકપક્ષીય રીતે પીછેહઠ કરી અને ખર્ચાળ ઈલેક્ટ્રિક વાહનોના આદેશને સમાપ્ત કર્યો. અમેરિકા પાસે પૃથ્વી પરના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ તેલ અને ગેસ છે, અને અમે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમને સંબોધતા ટ્રમ્પે વિશ્વભરના ઉદ્યોગપતિઓને સંદેશો આપ્યો હતો કે તેઓ તેમની મેન્યુફેક્ચરિંગ કામગીરી અમેરિકામાં લાવે નહીંતર ટેરિફ વધારાનો સામનો કરવા તૈયાર રહે. ટ્રમ્પે કહ્યું, ‘દુનિયાના દરેક બિઝનેસ માટે મારો સંદેશ ખૂબ જ સરળ છે. આવો અને તમારી પ્રોડક્ટ અમેરિકામાં બનાવો અને અમે તમને દુનિયાના અન્ય દેશની સરખામણીમાં સૌથી ઓછી ટેક્સ સુવિધા આપીશું.