સામાન્ય પરિવારના યુવાનેવકીલ ની સલાહ મુજબ સાયબર ક્રાઈમ અને ગૃહ મંત્રાલય ને ફરિયાદ કરી:પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. આ નોટિસ માં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11 થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે.
યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનીલ સથવારા તેના પરિવારજનો સાથે પાટણ એસ.પી. કચેરી પહોંચ્યા હતા. યુવકે ગૃહ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે. તેમણે માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ઉભી કરી ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને. આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે.
આ અંગે ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, મારા ગામડે ટપાલ દ્વારા બેંગલોરથી નોટિસ આવી છે. મેં નોટિસ ખોલી તો એ ઇન્કમટેક્ષ વિભાગની હતી. જેમાં 1 કરોડ 96 લાખનો મારે ટેક્ષ ભરવાનો હોવાનું જણાવાયું છે. મારા નામની વિવિધ જગ્યાએ 11 પેઢીઓ ચાલુ કરવામાં આવી છે. અમે વકીલની સલાહ લઇને સાયબર વિભાગમાં ફરિયાદ કરી છે.
આ અંગે ભોગ બનનાર યુવકના સગાએ જણાવ્યું હતું કે, સુનીલ મારો ભત્રિજો થાય છે, જે અમદાવાદમાં સુથારી કામ કરીને જીવન જીવે છે. અમે નાના માણસો છીએ. આટલા રુપિયા અમે જોયા પણ નથી, અમે તો મજુરી કામ કરીને જીવીએ છીએ. એના કાગળોનો દુરઉપયોગ કરીને કોઇએ આ ફ્રોડ કર્યું છે. અમે વકીલની સલાહ લઇને ગૃહ વિભાગ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. જ્યાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.