સ્થાનિક રહીશોએ રાહત અનુભવી: ડીસા નગરપાલિકાના અણઘડ વહીવટ અને નબળી નેતાગીરીના લીધે શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો જેમાં કોઇક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા કોઇક વિસ્તારમાં ગટર વ્યવસ્થાની અસુવિધા, ક્યાંક રોડની, સફાઇની જેવી અનેક પ્રકારની સમસ્યાઓનો નગરજનો સામનો કરી રહ્યા હતા. ત્યારે સમયના સથવારે સત્તા પરિવર્તન આવતાં મહદઅંશે શહેરમાં પડતી અસુવિધાઓની સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે.
ત્યારે ડીસા શહેરમાં આવેલા વોર્ડ નં. 10 માં ભૂગર્ભ ગટરની સમસ્યા વર્ષો જૂની હતી અને આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન સ્થાનિક રહીશોને સોયની માફક ખૂંચી રહ્યો હતો. જેમાં વોર્ડ નં 10 માં રેલવે સ્ટેશન ચાર રસ્તા પર જે મુખ્ય પોઇન્ટ હતો ત્યાંથી પાણી નિકાલ થતું નહોતું. જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેમાં સ્થાનિક રહીશોના ઘરોમાં અને સોસાયટીમાં ભૂગર્ભ ગટરના અભાવે ગંદું પાણી ભરાઇ જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે આજે વોર્ડ નં. 10માં જનતાના હિતમાં અને ઉત્સાહી સદસ્ય એવા અમિતભાઈ રાજગોર દ્વારા પોતાના વોર્ડમાં ઉદ્દભવતી સમસ્યાનો નિકાલ લાવવા મુખ્ય પોઇન્ટ અને ભૂગર્ભ ગટર યોજનાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ છે.