બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રૂટિન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકને રોકી તપાસ કરતાં વેસ્ટેજ માલની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 160 પેટી જપ્ત કરી છે, જેની કિંમત રૂ. 12,23,760 થવા જાય છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 22,33,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં બે ઈસમો ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજસ્થાનના અલવર જિલ્લાના આસિફ મજીદ મેઉ અને હરિયાણાના નુહુ જિલ્લાના આમિર લુકમન મેઉનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે અમીરગઢ વિસ્તારમાં તાજેતરમાં થયેલા એસ.એમ.સીના દરોડા બાદ પોલીસ વધુ સતર્ક બની છે. આ ઘટનામાં ઈસમો વેસ્ટેજ માલના કટ્ટાઓની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનું ષડયંત્ર નિષ્ફળ નીવડ્યું. પોલીસે બંને ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.