પાલનપુરમાં પટેલ પરિવારે લગ્નમાં દીકરીને દેશી ગાયની ભેટ આપી

પાલનપુરમાં પટેલ પરિવારે લગ્નમાં દીકરીને દેશી ગાયની ભેટ આપી

દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું; ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા છે. અને શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌ દાનનું પણ અનેરૂ મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. આ પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જિનલના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરડું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષાલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવવિભોર થઈ ગયા હતા. તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું.

આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ ગામીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે. માટે મારી દીકરી અને જમાઈ અભયકુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌ માતાના દૂધ અને ઘીનું સેવન કરીને ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મે ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે. આ લગ્ન સમારંભમાં ઉપસ્થિત ગૌ સેવક હિતેશભાઈ ગામીએ જણાવ્યું હતું અભયનો પરિવાર પણ ગૌસેવા સાથે જોડાયેલો છે માટે આ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિનું કામ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *