સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરોએ એક જ રાતમાં મોટી ચોરી કરી છે. સોનાસણ અને પોગલુ રોડ પર આવેલા 12થી વધુ ખેડૂતોના બોરકૂવા પરથી અંદાજે 150 મીટરથી વધુ કેબલની ચોરી કરવામાં આવી છે. રવિ સીઝનમાં ખેડૂતોએ બટાકા અને ઘઉંનું વ્યાપક વાવેતર કર્યું છે. વીજ કંપની દ્વારા દિવસે વીજ પુરવઠો અપાતો હોવાથી ખેડૂતો સવારે ખેતરમાં પાણી વાળવા જાય છે. રવિવારે રાત્રે તસ્કર ટોળકીએ સોનાસણથી પોગલુ રોડ પર આવેલા ખેતરોમાં ત્રાટક્યા હતા. સોમવારે સવારે જ્યારે ખેડૂતો રાબેતા મુજબ બોર ચાલુ કરવા ગયા ત્યારે મીટરથી બોર સુધીનો કેબલ કપાયેલો જોવા મળ્યો હતો.
ચોરીનો ભોગ બનનાર ખેડૂતોમાં સોનાસણના મનીષકુમાર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, બકુલભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, બકાભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, દશરથભાઈ પટેલ અને રમાજી પરમાર તેમજ પોગલુના અનિલભાઈ પટેલ, ચેતનકુમાર પટેલ, નરેન્દ્રકુમાર પટેલ અને ધનજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. ખેડૂતોએ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ખેડૂતોએ સોનાસણથી પોગલુ રોડ પર રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સઘન કરવાની રજૂઆત કરી છે. આ ઘટનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને સુરક્ષાની માગણી કરી રહ્યા છે.