લોસ એન્જલસમાં જંગલોમાંથી શહેરો સુધી ફેલાયેલી આગ વિનાશક સાબિત થઈ છે. આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો નથી. જ્યાં પણ આગ લાગી તે જગ્યા સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગઈ છે. આગના કારણે મોટાપાયે નુકસાન થયું છે. આગમાં અત્યાર સુધીમાં કુલ 27 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. ગુમ થયેલા લોકો વિશે કોઈ સુરાગ મળ્યો નથી. આગના કારણે 22 હજારથી વધુ ઘરો પણ બળીને ખાખ થઈ ગયા છે.
આગના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. આગ ફેલાવવા માટે જવાબદાર મજબૂત પવનો પાછા ફરવાથી ખતરો વધી ગયો છે. કેટલાક સ્થળોએ, 88 માઇલ (142 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે ફરી એક વખત આગ ફાટી નીકળવાનો ભય ઉભો કરે છે.
આગ વધી શકે છે
“આગ વિસ્ફોટક રીતે વધી શકે છે. તેથી આ ખાસ કરીને ખતરનાક પરિસ્થિતિ છે,” નેશનલ વેધર સર્વિસ (NWS) ના એરિયલ કોહેને એએફપીને જણાવ્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ પહેલાથી જ જોખમવાળા વિસ્તારોમાં એન્જિન અને ફાયર બ્રિગેડ તૈનાત કરી દીધા છે.