ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવેથી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે, જે ‘સામાન્ય અભ્યાસ’ તરીકે ઓળખાશે. અગાઉ, (GPSC) દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. આના કારણે ઉમેદવારોને દરેક પરીક્ષા માટે અલગથી તૈયારી કરવી પડતી હતી, જેમાં સમય અને મહેનતનો વ્યય થતો હતો. હવે આ મુશ્કેલી દૂર થઈ ગઈ છે. આયોગ દ્વારા ઉમેદવારોની સગવડતાને ધ્યાનમાં રાખીને તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ માટે એક જ ‘સામાન્ય અભ્યાસ’નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. ઉમેદવારો વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકે છે. આ જાહેરાત બાદ ઉમેદવારો હવે વધુ ઉત્સાહથી પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે, કારણ કે હવે તેમને દરેક પરીક્ષા માટે અલગ-અલગ તૈયારી કરવાની જરૂર નહીં રહે. એક જ અભ્યાસક્રમ હોવાથી તેઓ એક પરીક્ષાની તૈયારી સાથે અન્ય પરીક્ષાઓની પણ તૈયારી કરી શકશે, જેનાથી તેમના સમયનો સદુપયોગ થશે અને સફળતાની શક્યતાઓ વધશે. આ ઉપરાંત, ઉમેદવારો GPSCની સાથે અન્ય બોર્ડ કે કોર્પોરેશનની પરીક્ષાની પણ તૈયારી એકસાથે કરી શકશે.
(GPSC)ના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, આયોગ દ્વારા GPSCની ભરતીની પ્રાથમિક પરીક્ષાના અભ્યાસક્રમમાં સામાન્ય ફેરફારો કરીને પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જેથી GPSCની તમામ ભરતીની પરીક્ષાઓ આપતા ઉમેદવારોને અલગ-અલગ અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવાની થશે નહીં. હવે એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષાની તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય.