કાંકરેજના બનાસ નદીના પટમાં બેફામ રેત ખનન
ડીસા તાલુકાની હદથી માંડી કાંકરેજ તાલુકાના સુદ્રોસણ સુધીના પટમાં રેત માફીયાઓ સક્રીય: બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાની હદથી માંડી છેક કાંકરેજ તાલુકાનાં સુદ્રોસણ સુધી બનાસ નદીનો વિશાળ પટ આવેલો છે.જે પટની રેતી બાંધકામ માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે.જેમાં સરકાર દ્વારા કેટલીય લિઝો ફાળવવામાં આવેલ છે.પણ વરસોથી બનાસ નદીમાં વિના રોક ટોક બિન અધિકૃત રાત દિવસ રેત ખનન થઇ રહ્યું છે. જેમાં હજારો ટન બનાસ નદીની રેતનો કાળો કારોબાર થઇ રહ્યો છે. જેમાં લીઝ ધારકોને ફાળવવામાં આવેલા બ્લોક સાચા છે. કે કેમ ? કેમ કે લગભગ તો નદીનાં પટમાં ચાલતા રેત ખનનથી અઘિકારીઓ ઇરાદાપૂર્વક અજાણ રહે છે. અને એક માત્ર કંબોઈ ચાર રસ્તા પર પાટણ જિલ્લાની હદ પાસે ખાણ ખનીજ વિભાગનો પોઇન્ટ આવેલો છે. જયાં પરમીટ રોયલ્ટીની તપાસ કરવામાં આવે છે.
પરંતુ કાંકરેજ તાલુકાના બનાસ નદીનાં મોટા ભાગના વિસ્તારમાંથી દરરોજ રેત ભરેલ વાહનોથી રસ્તાઓ ઉપર અચૂક નજરે ચડે છે. જ્યાં કોઈ જાતનું રોયલ્ટી પરમીટનું ચેકીંગ કરવામાં આવતું નથી.જેથી ‘ખાળે ડૂચા પણ દરવાજા મોકળા’ જેવો ઘાટ ઘડાતા નદીમાંથી સરેઆમ લીઝ ધારકો દ્વારા બનાસ નદીની રેત બેફામ ઉલેચાઈ રહી છે.જયાં ખાણ ખનીજ વિભાગ જીપીએસ સિસ્ટમ દ્વારા અને ડ્રોન મારફતે બનાસ નદીમાં તપાસ કરે તે જરૂરી છે. કેમ કે ફાળવેલા બ્લોકમાં રેત ઉપડી રહી છે કે અન્ય જગ્યાએથી? તેનો ભેદ ખુલે.
આમ જોઈએ તો ડીસા તાલુકાની હદથી માંડી કાંકરેજના અરણીવાડાથી સુદ્રોસણ સુધી બનાસ નદી આવેલી છે ત્યાં સુધીનાં ગામોનાં નદીનાં સરવે નંબરમાં લીઝ ધારકોને ફાળવેલા બ્લોક નંબરોની જીપીએસ સિસ્ટમ તેમજ દ્વારા ડ્રોન મારફતે ચકાસણી કરવામાં આવે તો કાંકરેજની બનાસ નદીમાં કેટલું બધું બિન અધિકૃત રેત ખનન થયું છે? તેનો ખ્યાલ આવે. અને રેત ખનન કરતા તત્વોને પણ પકડી શકાય. કાંકરેજ તાલુકાના કંબોઈ ચાર રસ્તા પર ખાણ ખનીજનો પોઇટ મૂકવામાં આવેલ છે. જ્યાં ખાણ ખનીજ વિભાગની ગાડી ચોવીસ કલાક પડી રહેતી હોય છે. જે પણ તપાસનો વિષય છે આમ જોઈએ તો કાંકરેજની બનાસ નદીમાં વર્ષોથી લીઝો ફાળવવામાં આવેલી છે પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાંકરેજની બનાસ નદીનાં તમામ ગામોના સરવે નંબરની તપાસ કરવામાં આવે તો જ રેત ખનન કરતા તત્વો સુધી પહોંચી શકાય તેમ છે.વારંવાર બિન અધિકૃત અને રોયલ્ટી ભર્યા વિના રેત ખનન કરતા વાહનો પકડાય છે પરંતુ તે રેત ક્યાંથી ભરવામાં આવી તેની તપાસ થાય છે ખરી ?? તેની તપાસ કરવા વાહન કે મશીનના જીપીએસની તપાસ કરવી જરૂરી હોવાનું ગામલોકોએ જણાવ્યું હતુ.
નદીના પટમાં ગુપ્ત રાહે તપાસ જરૂરી: રેતીની તસ્કરી રોકવા વાહનો અને મશીનોની જીપીએસ સિસ્ટમ દ્વારા તપાસની સાથે લીઝ ધારકોને ફાળવવામાં આવેલ ક્યુંએલ કોડ વાળી જમીનમાં રેતનુ ખોદકામ થાય છે કે સરકારી પડતર કે ખેડૂતોનાં સરવે નંબરની પણ તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.એ સિવાય જ્યારે ખાણ ખનીજ વિભાગનુ ચેકીંગ હોય ત્યારે તેની લીઝ ધારકોને કઈ રીતે ખબર પડી જાય છે ? આ બાબતોને ધ્યાને લઈ ખાણ ખનીજ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં ગુપ્ત રાહે તપાસ કરવામાં આવે તો જ રેત ખનન કરતા તત્વોને જેર કરી શકાય.તેમ લોકોએ જણાવ્યું હતું.