વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગ રૂપે પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ઘરની માંગણી: અંબાજી નાં સર્વે નં 8 માં ઘર-મકાનની વણઝાર જોઈ રહ્યા છો તે મકાનો ઉપર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકા ની જેમ બુલડોઝર ફરી વળશે, આ મકાનો વર્ષો જુના દદબાણ વાળા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં 150 જેટલા મકાનો માંથી 89 મકાનો દૂર કરવા માટેની મહેસુલ કાયદાની કલમ 61 ની નોટિસો આપીને દબાણ દૂર કરવા કહી દેવામાં આવ્યું છે જોકે હાલમાં આ કાચા પાકા દબાણદારોએ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી ચૂક્યા છે પણ તેમને કોઈ જ જવાબ ના મળતા માલધારી સમાજના લોકો ના જણાવ્યા પ્રમાણે અંબાજી -ગબ્બર વચ્ચે બનનાર શક્તિ કોરીડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઇ રહી છે.
ત્યારે છેલ્લે આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકો પોતાના પરિવાર સાથે માતાજી ને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર લઇ અંબાજી મંદિરે પહોંચીને માતાજીને અર્પણ કર્યું છે આ માલધારી સમાજ લોકોનું કહેવું છે કે અંબાજી અને ગબ્બર નો વિકાસ થઈ રહ્યો છે તેનો કોઈ જ વિરોધ નથી તેમાં અમારો સહકાર છે ને સ્વેચ્છાએ પોતાના ઘર મકાન ખાલી કરી દેવાનું પણ જણાવી રહ્યા છે, પણ આ લોકોને રહેવા માટે અન્ય કોઈ જ વ્યવસ્થા નથી ને હવે આજના આ મોંઘવારીના સમયમાં જમીન કે મકાન ખરીદી શકે તેવી પરિસ્થિતિ પણ નથી ત્યારે આ માલધારી સમાજના લોકો પોતાના મકાનના બદલે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી છે ને સાથે વૈકલ્પિક અથવા વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ આપવા રજૂઆતો કરી છે,તેમ નહીં થાય તો આ તમામ અસરગ્રસ્ત રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે.
આ માલધારી સમાજની દીકરીઓ પણ આજ માંગણી કરી રહી છે ને તેમના ઘરે લગ્ન જેવા રૂડા પ્રસંગો આવવાના છે ત્યારે આ મકાનો દૂર કરવામાં આવશે તો અમે ક્યાં જઈશું તે પ્રશ્ન સતાવી રહ્યો છે ને અમારી આવનારી પેઢી ક્યાં જશે તેનો સરકાર વિચાર કરે ને મકાનના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી છે.