આચાર્ય સુશ્રુતની કલ્પનામાં સાજો- સ્વસ્થ વ્યક્તિ મળવો મુશ્કેલ છે. જેના બધાજ દોષ (વાયુ, પિત્ત અને કફ), બધાજ અગ્નિ (આયુર્વેદમાં અગ્નિના તેર પ્રકાર કહ્યા છે.), બધીજ ધાતુઓ (રસ,લોહી વિગેરે સાત ધાતુઓ છે) અને બધાજ મળ (મળ, મૂત્ર અને પરસેવો) શરીરમાં યોગ્ય પ્રમાણમાં રહીને શરીરનું સંચાલન કરે છે તથા જેમનો આત્મા, બધીજ ઇન્દ્રિયો અને મન પ્રસન્ન છે તે સ્વસ્થ છે તેમ જાણવું.
આ દ્રષ્ટિથી આપણે બધાજ બીમાર છીએ છતાં શારીરિક આરોગ્યની દ્રષ્ટીએ જેમનો અગ્નિ પ્રજ્વલિત છે, જે ભૂખ, તરસ, ટાઢ, તાપ, ઠંડી, વરસાદ, પવન કે પરિશ્રમ સહન કરી શકે છે તે તંદુરસ્ત છે તેમ કહી શકાય. જે આ પ્રકારે સહન નથી કરી શકતા તે બધાજ બીમાર છે તેમ સમજીને ચાલવું જોઈએ. આવા લોકોને ભૂખ લાગે, ખાધેલું પછી જાય, શરીરને યોગ્ય પોષણ મળે, લેવાયેલ ઔષધરૂપી આહાર પણ ઝડપથી પચી જાય તે આહાર સામાન્યત: બધાજ રોગમાં લઇ શકાય તેવો હોય તો તે બીમારનો યોગ્ય આહાર કહેવાય. બીમાર માણસને પ્રવાહી અને સ્વાદિષ્ટ હોય તેવો આહાર વધુ અનુકુળ આવે.
૧. મગનું પાણી: મગને બાફી, ખૂબ ઉકાળી, તેની અંદર સિંધવ, હળદર, ધાણા- જીરું, આદુ, લસણ, લીંબુ વગેરે મસાલા નાંખી, સારી પેઠે ચડાવી ખૂબ ચોળીને ગળણીથી ગાળી લેવું. આ પાણીનો વધાર પણ કરી શકાય. મગ પચવામાં ખૂબ જ હલકા છે. તેમાં વળી આદુ, લસણ વગેરે પાચક મસાલા નાખવામાં આવતા તે સહેલાઈથી પછી જાય છે. તેને ગાળવાથી, છોડા નિકળી જવાથી ગેસ- વાયુ કરતા નથી અને પાચન સુધારે છે.
૨. રાબ: એક નાની ચમચી જુવાર, બાજરી કે ઘઉંનો લોટ લઇ તેને ચમચી ઘીમાં ગુલાબી થાય ત્યાં સુધી ધીરે ધીરે શેકી નાખવો પછી તેમાં એક ગ્લાસ જેટલું ગોળનું પાણી નાંખી સારી પેઠે ઉકાળી રાબ બનાવવી. ગંઠોડાની રાબ બનાવવા માટે, ગંઠોડાનું ચૂર્ણ અડધી ચમચી ગોળ સાથે ઉમેરવું. આ રાબ દરદીને અને સૌને ભાવે તેવી હોય છે. પૌષ્ટિક હોય છે, શક્તિ આપનાર છે, સહેલાઈથી પચી જાય છે અને તેની માત્રા હંમેશા ઓછી જ હોય છે.
૩. જાવળું: મગ કે મગની દાળ અને જૂના ચોખાને તાવડીમાં લઇ શેકી લ્યો, તેને અધકચરા ખાંડો, તેમાં ચૌદ ગણું પાણી ઉમેરી પકાવી લ્યો, તેમાં સિંધવ, જીરું, લસણ, આદુ વગેરે જરૂરી મસાલા સ્વાદ માટે અને સુપાચ્ય બનાવવા માટે ઉમેરી શકાય. ઘી કે તેલનો વધાર પણ કરી શકાય.ચોખા અને મગ અનાજ હોવાથી શક્તિ અને સંતોષ મળે છે, વળી તેને શેકીને અને પકાવીને બનાવેલ હોવાથી તે પચવામાં હલકું હોય છે.
૪. સૂપ: શાકભાજી સમારી, સ્વચ્છ પાણીથી ધોઈ, ધીમા તાપે છ ગણા પાણીમાં બાફી લેવું, અડધું પાણી બળી જાય, બફાઈ જાય પછી કપડામાં નાખી, દબાવી નીચોવી લેવું, વધારવું નહિ, સાધારણ ગરમ હોય ત્યારે તેમાં સહેજ નમક, લીંબુ, આદુનો રસ મેળવી સ્વાદિષ્ટ બનાવી લેવું. કબજીયાત માટે આજે સામાન્યત: પાંદડા અને રેસાવાળી ભાજી ખાવાની સૌં કોઈ ભલામણ કરે છે પરંતુ હકીકતમાં તે રેસાઓ આપણા શરીરમાં પચતા નથી તેથી આયુર્વેદ તે રેસાવાળા ભાજીને શાકની જેમ નહિ ખાતા સૂપ પદ્ધતિથી પીવાનું કહે છે કારણકે સૂપ એ શાકભાજીનું પ્રવાહી સ્વરૂપ છે જેમાં શરીર ઉપયોગી બધાજ તત્વો રહે છે.