રૂ.15 લાખની લાંચ લેતા ઝડપાયેલા સરપંચ પતિ અને બોર ઓપરેટરને કોર્ટમાં રજૂ કરાયા: વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ અને બોર ઓપરેટર ગતરોજ રૂ.15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જેઓને આજે એસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તેઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી.માં વર્ષ 2019 માં જાહેર હરાજી દ્વારા ટી.ડી.ઓ દ્વારા કુલ 27 પ્લોટ આપેલ હતા. જે પૈકી એક પ્લોટ ફરીયાદી એ ખરીદેલ હતો. જોકે, પાછળ થી આ હરાજી બાબતે અરજીઓ થતાં ડી.ડી.ઓ બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કરતાં, પ્લોટ ઘારકોએ વિકાસ કમિશ્નર ગાંઘીનગર ખાતે રીવીઝન અરજી કરતાં વિકાસ કમિશ્નર તરફથી ડીડીઓ નો હુકમ રદ કરી પ્લોટ ઘારકો ની તરફેણ માં હુકમ કરેલ હતો. જોકે, વિકાસ કમિશ્નરના ઉપરોક્ત હુકમની વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટ માં રીટ પીટીશન દાખલ કરી મનાઇ હુકમ માંગેલ હતો. પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઇ હુકમ કે કોઇ વચગાળા નો હુકમ કરેલ નહી હોવા છતાં પંચાયત દ્વારા ફરીયાદીએ પોતાના પ્લોટમાં કરેલ બાંધકામ તોડી નાંખેલ અને તમામ પ્લોટનો કબજો લઇને પંચાયતની માલીકીનાં હોવાનું બોર્ડ મારી દીધેલ હતું.
છાપી પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટ તેમના પતિ મુકેશભાઇ સંભાળતાં હોઇ ફરીયાદી એ સરપંચનાં પતિ મુકેશભાઇ ચૌધરીનો સંપર્ક કરી હાઈકોર્ટ માં કરેલ રીટ પીટીશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ઘારકોની પ્લોટ ની માલીકી પરત આપવા વિનંતી કરતાં સરપંચના પતિએ રૂ.50,00,000/- ની લાંચ ની માંગણી કરી હતી. જોકે, રકઝકને અંતે રૂ.35,00,000/- આપવાનું નક્કી થયું હતું. જે પૈકી રૂ.15,00,000/- આપવાનો ગતરોજ વાયદો કરેલ હતો. જોકે, ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેઓએ અમદાવાદ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિ મુકેશ કામરાજ ભાઇ ચૌઘરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર રૂ.15 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
લાંચિયા સરપંચ પતિના એક દિવસના રિમાન્ડ મંજુર: વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતનો વહીવટ કરતા સરપંચ પતિ મુકેશ ચૌધરી અને બોર ઓપરેટર પ્રવિણ ઠાકોરને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. એસીબી એ બંનેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે તેઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગ્રામ્ય કક્ષાએ અધધ ભ્રષ્ટાચાર; બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચ પતિએ રૂ.50 લાખની લાંચની માંગ કરી હતી. જે પૈકી રૂ.15 લાખની લાંચ લેતા વચેટિયા સાથે ઝડપાઇ ગયા હતા. આ બનાવ ગ્રામ્ય કક્ષાએ પણ કેટલો ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે તેની ચાડી ખાઈ રહ્યો છે. વળી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલાઓના પતિ જ વહીવટ કરતા હોવાની બાબત પણ ઉજાગર થઈ હતી.