અંડર 16 અને અંડર 19 પેસ બોલર માટે પાલનપુર ખાતે યોજાયો કાર્યક્રમ: ભારતમાં ક્રિકેટનો જબરો ક્રેઝ છે. ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠાના અંડર 16 અને અંડર 19 પેસ બોલર માટે ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં 500 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. ભારતમાં ક્રિકેટની રમત ભારે લોક પ્રિય છે. હર કોઈ યુવાન ક્રિકેટર બનવાની ઘેલછા ધરાવે છે. ત્યારે ક્રિકેટર બનવા ઇચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા ક્રિકેટ એસોસીએશન દ્વારા પાલનપુર જ્યોર્જ ફિફ્થ કલબ ખાતે અંડર 16 અને અંડર 19 પેસ બોલર માટેનો ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આ ટેલેન્ટ સર્ચમાં 500 જેટલા યુવાનોએ ભાગ લીધો હોવાનું રણજી ટ્રોફી પ્લેયર દિલીપસિંહ હડિયોલે જણાવ્યું હતું.
આ યુવાનો પોતાનું ટેલેન્ટ બતાવશે. જેમાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર્સ પસંદગી કરશે. તમામ જિલ્લામાં થી સિલેકટ થયેલા પેસ બોલરોને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન એક ટીમ બનાવી આ પેસ બોલરોને જરૂરી તાલીમ આપી પેસ બોલર બનવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે. જેથી આવનારા દિવસોમાં બનાસકાંઠાનો કોઈ યુવાન પણ ક્રિકેટર બને તો નવાઈ નહિ.