ચંડીસર ગ્રામ પંચાયતે કરી કલેકટરને રજુઆત: પાલનપુરના ચંડીસરમાં સરકારે ગૌચરમાં કોન્ક્રીટ મિક્સર પ્લાન નિર્માણ કરતાં ગામલોકોમાં નારાજગી વ્યાપી છે. ગ્રામ પંચાયતે કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગૌચરની જમીનને શ્રી સરકાર બતાવી રહેણાંક વિસ્તારની બાજુમાં મિક્સર પ્લાન્ટ બનાવી દેવાયો છે જે પ્રદૂષણ સર્જી રહ્યું છે.
ચંડીસર ગામમાં 10 હજાર ચોરસ મીટર જગ્યા પર માર્ગ અને મકાન વિભાગને ડ્રમ મિક્સ પ્લાન્ટ બનાવવા માટે સર્વે નંબર 985ની જગ્યા ફાળવી દેવાઈ છે. જોકે ગામ લોકોની રજૂઆત છે કે “જે જગ્યા માર્ગ અને મકાન વિભાગને ફાળવી દેવાઈ છે તે જૂનો 437 ગૌચરનો સર્વે નંબર છે. અગાઉ અહીંથી રસ્તો નીકળવાથી રિવિઝન સર્વેમાં નવો નંબર 985 આપી શ્રી સરકાર દાખલ કરાયો હતો. જે રિવિઝન સર્વેમાં ભૂલ છે અને સર્વેમાં ભૂલ સુધારવા ચંડીસર ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર વિગતવાર જમીન દફતર કચેરીએ અરજી પણ આપેલી છે.
જે બાદ જિલ્લા કલેકટર દ્વારા સર્વે નંબર 985 વિચરતી જાતિ માટે ગામતળ નીમ કરાતા ચંડીસર ગ્રામ પંચાયત દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જે મામલો હાલમાં પણ કોર્ટમાં પેન્ડિંગ છે તેવામાં મૂળ ગૌચર જમીનનો હેતુ ફેર કર્યા વિના કે અન્યત્ર ગૌચર ફાળવ્યા વિના સરકાર પડતર બતાવીને માર્ગ અને મકાન વિભાગને ડ્રમ મિક્સ પ્લાન્ટ માટે જમીન અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટથી નજીકમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે.