શહેરમાં સ્વચ્છતા અને વિકાસ કામોને અગ્રતા : પ્રમુખ
વાજતે ગાજતે નવા પ્રમુખનું સામૈયા સહ સ્વાગત કરાયું: ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નવનિયુક્ત થયેલા નીતાબેન નિલેશભાઈ ઠક્કરે આજે વિજય મુહૂર્તમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. ડીસા નગરપાલિકામાં ગત ચૂંટણી બાદ અઢી વર્ષની બીજી મુદત માટે મહિલા પ્રમુખ તરીકે અગાઉ સંગીતાબેન દવેને નિયુક્ત કરાયા હતા. પરંતુ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને કારણે સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા એકાદ માસ માટે ઇન્ચાર્જ પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે પ્રમુખ તરીકે બાકી રહેતા સમયગાળા માટે પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર નીતાબેન નિલેશભાઈ ઠક્કરની સર્વ સંમતિથી બિનહરીફ નિયુક્તિ કરાઈ હતી.
ત્યારે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે આજે વિધિવત રીતે પોતાનો પ્રમુખ પદનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. તેઓ ચાર્જ ગ્રહણ કરવા આવ્યા ત્યારે પાલિકા કમ્પાઉન્ડમાં તેઓનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી તેઓને પ્રમુખની સીટ પર બેસાડી ચાર્જ ગ્રહણ કરાવાયો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, પદાધિકારીઓ, પાલિકાના કોર્પોરેટરો, શહેરના અગ્રગણ્ય વેપારીઓ, કાર્યકરો તેમજ લોહાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. પ્રમુખ નીતાબેને સૌનું અભિવાદન ઝીલી શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામો અગ્રતાના ધોરણે કરવાની ખાતરી આપી ભાજપ મોવડી મંડળ તેમજ સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શહેરનો સર્વાંગી વિકાસ થશે: નવનિયુક્ત નગરપાલિકાના મહિલા પ્રમુખ નીતાબેન ઠક્કરના પતિ નિલેશભાઈ ઠક્કર પણ બે ટર્મ અગાઉ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે.તેથી તેઓ શહેરની પરિસ્થિતિથી સુપરે વાકેફ છે. અને ભાજપના વફાદાર સૈનિક છે. તેથી વાદ વિવાદ વગર શહેરીજનોની સુખાકારી સાથે શહેરનો સર્વાંગી વિકાસ થશે તેવી શહેરીજનોને આશા બંધાઈ છે.