અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતાં મ્યુઝિયમ તેમજ અનંત અનાદિ વડનગર (પુરાતત્વીય અનુભવાત્મક) સંગ્રહાલયનું લોકાર્પણના પ્રસંગે પધાયેલા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ ટૂંક સમય માટે મહેસાણા શહેર માંથી પસાર થવાના હોઈ સમગ્ર મહેસાણા શહેરને ભાજપના ભગવા રંગે રંગી દેવામાં આવ્યું છે. જિલ્લા ભાજપના મોવડી મંડળ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું ઉષ્માભે સ્વાગત, સન્માન અને અભિવાદન કરવા જાણે કે થનગની રહ્યું હોય તેવી રીતે ભાજપના ભગવા રંગે રંગીને તૈયારીઓને ઓપ આપવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લા સહિત શહેરભરમાં ઠેર ઠેર ભાજપના બેનર, પોસ્ટર સહિત ભાજપના ઝંડા લગાવી સમગ્ર શહેરને ભાજપના ભગવા રંગે રંગી જે રસ્તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કાફલો મહેસાણા શહેરમાં આવનાર છે તે તમામ રસ્તાઓની સાફ સફાઈ સાથે રંગ રોગાન અને સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે. રસ્તામાં તમામ સ્થળો પર ભાજપના ઝંડા લગાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવામાં ઠેક ઠેકાણે ભાજપના નેતાઓ, મંત્રીઓ અને કાર્યકર્તાઓના બેનર લગાવી દેવામાં આવ્યા છે. આ જોતા બહું જ સ્પષ્ટ લાગી રહ્યું છે કે મહેસાણા જિલ્લા અને શહેરમાં ભાજપે મજબૂત સત્તા સાંભળી રાખી, પોતાના ગઢને સુરક્ષિત બનાવી રાખ્યો છે.